જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Saturday, April 20, 2013

દલપતરામ કવિ



 દલપતરામ કવિ



નામ: દલપતરામ કવિ
જન્મ: ૨૧ જાન્યુઆરી - ૧૮૨૦ , વઢવાણ
અવસાન: ૨૫ માર્ચ - ૧૮૯૮ , અમદાવાદ
કુટુમ્બ: પિતા - ડાહ્યાભાઈ ; પુત્ર - નાનાલાલ કવિ

અભ્યાસ
  • સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ
  • સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ
વ્યવસાય
  • ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ
  • ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
  • ૧૮૫૫- બુદ્ધિપ્રકાશ નું સંપાદન
  • ૧૮૫૮- ‘હોપ’ વાંચનમાળાની કામગીરીમાં મદદ
પ્રદાન
  • કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

મૂખ્ય કૃતિઓ

  • કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્
  • નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
  • નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી
  • વ્રજભાષામાં - વ્રજ ચાતુરી
  • વ્યાકરણ – દલપત પિંગળ

જીવન

ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારકોમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈનું નામ અગ્રગણ્યોમાં છે. સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં ઇ.સ. ૧૮૨૦ના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે તેમનો જન્મ થયો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું ને ત્યાં સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હીરાદંતી’ નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.
કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. અંધેરીનગરી એક લોકપ્રચલિત કથા પરથી લખાયેલુ કાવ્ય છે.... પુરી એક અંધેરીને, ગંડુરાજા, ટકે શેરભાજી, ટકે શેરખાજા, બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેક, કવિ દલપતરામે માંના ગુણ વર્ણવીને કહ્યું છે કે... હતો હું સૂતો પારણે, પુત્ર નાનો, રડુ છેક તો રાખતું કોણ છાનો, મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ માં તુ.
  • વૈદિક કર્મકાંડ છોડી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો
  • સુધારા યુગના મહત્વના કવિ
સન્માન
  • બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ.ઇલ્કાબ


કવિ ન્હાનાલાલ


કવિ ન્હાનાલાલ દલપતરામ,‘પ્રેમભક્તિ’

(૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬)



કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા. 

એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપકઃ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.