જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Saturday, April 20, 2013

'સુન્દરમ' ત્રિભુવનદાસ લુહાર


'સુન્દરમ' ત્રિભુવનદાસ લુહાર ૧૩ જાન્યુઆરી




જન્મ: ૨૨/૩/૧૯૦૮ જન્મસ્થળ: મિયાંમાતર (ભરુચ) સાચું નામ: ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર ઉપનામ: સુન્દરમ્ અવસાન: ૧૩/૧/૧૯૯૧

કવિજીવન અને વ્યક્તિત્વ ઘડતર

ગાંધીયુગના અગ્રણી કવિ, ટૂંકી વાર્તાઓના મર્મસ્પર્શી લેખક, સમર્થ વિવેચક અને પૂર્ણયોગના સાધક એમ વિવિધ રીતે સુન્દરમ્ નું નામ પ્રસિધ્ધ છે. કાનમ નામે ઓળખાતા દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર નામના નાનકડા ગામમાં શ્રમજીવી પિતાને ત્યાં ઇ.સ.૧૯૦૮ માં ત્રિભુવનનો જન્મ થયો હતો. કુટુંબ અને ગામમાંથી મળેલા ભક્તિ અને પરિશ્રમના વાતાવરણ વચ્ચે પ્રાથમિક શિક્ષણ મિયાંમાતરમાં જ લીધું. ગુજરાત પ્રસિધ્ધ વ્યાયામના ભેખધારી શ્રી છોટુભાઈ પુરાણીની ભરુચની રાષ્ટ્રીય શાળામાં જીવનદીક્ષા અને કાવ્યદીક્ષા માટે તૈયારી કરી. ભરૂચ છોડી અમદાવાદ આવી પહોંચે તે પહેલા તો આ કિશોર ત્રિભુવને અમદાવાદની સાહિત્યસભા તરફથી સાહિત્યની પરીક્ષા ઉતીર્ણ કરી. અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત વિધાપીઠમાં દાખલ થયા ત્યારે કવિ અધ્યાપક રામનારાયણ પાઠક પાસે છંદ અને ભાષાસાહિત્યનો અભ્યાસ કરવાની તક તેમને મળી. વિદ્યાપીઠમાંથી પ્રગટ થતાં 'સાબરમતી' ના તેઓ તંત્રી બન્યા. તેમાં ઉત્તમ લેખ લખવા બદલ તેમને ગાંધીજીના હસ્તે 'તારાગૌરી રૌપ્યચંદ્રક' મળ્યો હતો.

ગદ્યકાર સુન્દરમ્

કવિ સુન્દરમ્ અને ગદ્યકાર સુન્દરમ્ મળીને એક ઊંચી કોટિના સર્જક સુન્દરમ્ નો પરિચય તેમની સાહિત્ય રચનાઓમાંથી મળી રહે છે. નવલિકા, પ્રવાસ, અનુવાદ, સાહિત્યિક લેખો, ચરિત્ર, વિવેચન એમ ઘણાં સ્વરુપોમાં તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. ટૂંકી વાર્તા હોય કે પ્રવાસકૃતિ હોય, સુન્દરમ્ નું ગદ્ય પ્રાસાદિક શૈલીમાં વિહરે છે. સ્નાતક થયાં તે પહેલા તેમણે 'સાબરમતી' માં વર્ષભરનો શ્રેષ્ઠ લેખ લખ્યો હતો. ઇ.સ.૧૯૪૭ થી 'દક્ષિણા'ના તંત્રિ તરીકે પણ તેમણે ગુજરાતી ગદ્યને બળ અને ઓજસ આપ્યા. તેમના ગદ્યની પ્રાસાદિકતા અને રસાળતાનો સુખદ અનુભવ આપણને તેમના 'તપોગિરિની આનંદયાત્રા' વ્યાખ્યાનમાં થાય છે. કવિતાની જેમ ગદ્યમાં પણ સર્જક સુન્દરમ્ ની આગવી મુદ્રા પ્રગટે છે. વિવેચનમાં વિવેચ્ય પદાર્થકૃતિ પરની તેમની પકડ, વિષયને પૂરેપૂરી પામી જતી બુદ્ધિની તીક્ષ્ણતા અને વિચારની મૌલિકતા જોવા મળે છે. સુન્દરમ્ નું ગદ્ય ઘૂંટાયેલુ, સત્વપૂર્ણ અને સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના સંસ્કારવાળું હોય છે. તેને તત્વ, તર્ક અને લાગણીનો સ્પર્શ અચૂક લાગેલો હોય છે. સ્વાભાવિક પ્રસાદ અને માધુર્યથી મંડિત હોઇ સુન્દરમ્ નું ગદ્ય રોચક હોય છે. તેથી ગાંધીયુગના ગદ્યના વિશિષ્ટ આવિષ્કારરૂપે સ્મરણીય છે.

સુન્દરમ્ નું જીવન

ઇ.સ.૧૯૪૬ માં તેઓ પોંડિચેરી ગયા અને શ્રી અરવિંદ તેમજ માતાજીના સાનિધ્યમાં આશ્રમવાસી બનીને વસ્યાં. મૃત્યુપર્યંત પોતાનું જીવન અને સર્જન શ્રી અરવિંદ અને માતાજીને સમર્પિત કરી દીધું. તેમણે નવલિકાઓ અને એકાંકીઓ પણ આપ્યા હતાં. ગુજરાતથી દૂર રહીને પણ તેમણે સતત સાહિત્યસર્જન કરવાનું ચાલુ રાખ્યું હતું.

સુન્દરમ્ ના પુરસ્કારો

ઇ.સ.૧૯૩૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઇ.સ.૧૯૪૬ માં 'અર્વાચીન કવિતા' વિવેચનગ્રંથ માટે મહીડા પારિતોષિક, ઇ.સ.૧૯૫૫ માં 'યાત્રા' કાવ્યસંગ્રહ માટે નર્મદ સુવર્ણચંદ્રક, ઇ.સ. ૧૯૫૯ માં ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના સાહિત્ય વિભાગનું પ્રમુખપદ અને ઇ.સ.૧૯૬૯ માં પચીસમા અધિવેશનનું પ્રમુખપદ તેમને પ્રાપ્ત થયુ હતું. ઇ.સ.૧૯૬૭ માં મુંબઇ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વ્યાખ્યાનો આપેલા. ઇ.સ.૧૯૬૮ માં 'અવલોકના' માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. ભારત સરકારે એમને 'પદ્મભૂષણ'નો ખિતાબ આપ્યો હતો.

તેમની 'અર્વાચીન કવિતા': વિવેચક સુન્દરમ્

'અર્વાચીન કવિતા'ને અર્વાચીન ગુજરાતી કવિતાની તેની ભૂમિકા, વલણો, સર્જકો, નવા પ્રયોગોને ધ્યાનમાં રાખીને કરેલી સમીક્ષાનો ઇતિહાસગ્રંથ ગણી શકાય. ઇ.સ.૧૯૪૬ માં ગુજરાત સાહિત્યસભા તરફથી અર્વાચીન કવિતાનું રૂપરેખાત્મક પુસ્તક લખવાનું કામ તેમને સોંપાયુ હતું, તેના ફલસ્વરૂપ સુન્દરમ્ ના વિદ્યાતપની સાક્ષી સમું ઉત્તમ વિવેચન 'અર્વાચીન કવિતા' દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ઇ.સ. ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની ઐતિહાસિક તેમજ તુલનાત્મક, તટસ્થ મુલ્યાંકન તથા સમીક્ષા રૂપે પ્રાપ્ત થતો તે સંદર્ભગ્રંથ બન્યો છે.

અવલોકના

ઇ.સ.૧૯૬૫માં તેમનો અવલોકના નામનો બીજો વિવેચનસંગ્રહ પ્રકાશિત થયો. જેના પરિણામે ગુજરાતી સાહિત્યના સર્જકો, કવિઓ,વાર્તાકારો, નવલકથાકારો વગેરેની નોંધપાત્ર રચનાઓની વર્ષો પહેલા લખાયેલી સમીક્ષાઓ ગુજરાતીસાહિત્યના અભ્યાસીવર્ગને સુલભ થઇ. ગુજરાતના કવિતાગુરુ અધ્યાપક રામનારાયણ પાઠકે તો પોતાના આ શિષ્યને પોતાના કાવ્યોની તેમના હાથે થયેલી સમુચિત વિવેચનાથી પ્રસન્ન થઇ ઇ.સ.૧૯૩૮ માં 'વિવેચક મિત્રને' એમ ભાવપૂર્વક સંબોધન કરી એક કાવ્યમાં સુન્દરમ્ ની વિવેચનપ્રવૃત્તિને બિરદાવી હતી.

સુન્દરમ્ નું સાહિત્યસર્જન તેમજ કૃતિઓ

કવિતા:- કોયા ભગતની કડવી વાણી, ગરીબોના ગીતો, કાવ્યમંગલા, રંગરંગ વાદળિયાં, વસુધા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, લોકલીલા, ઇશ, પલ્લવિતા, મહાનદ, પ્રભુ પદ, અગમ નિગમા, નિત્યશ્લોક, ચક્રદૂત, ધ્રુવ યાત્રા
ટૂંકી વાર્તા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી, પાવક્ના પંથે
પ્રવાસ:- દક્ષિણાયન
વિવેચન:- અર્વાચીન કવિતા, અવલોકના, સાહિત્યચિંતન
પ્રકીર્ણ:- ચિદંબરા
ચરિત્ર:- શ્રી અરવિંદ મહાયોગી, સમર્ચના
અનુવાદ:- ભગ્વદ્જ્જુકીય, મૃચ્છકટિક, કાયાપલટ, જનતા અને જન, સાવિત્રી, શ્રી અરવિંદ તથા માતાજીના પુસ્તકો
વાર્તાકલા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન વગેરે સુન્દરમ્ ના વાર્તાસંગ્રહો છે. કવિતા પછી વાર્તાઓનું સર્જન સુન્દરમ્ નું પ્રતિભાશાળી સર્જક તરીકે ધ્યાન ખેંચે છે. 'હીરાકણી અને બીજી વાતો'થી તેમની ટૂંકીવાર્તાની યાત્રા શરૂ થઈ. 'ખોલકી' વાર્તામાં જીવનની નક્કર વાસ્તવિકતાને રજૂ કરી સામાજીક ચેતનાને તેમણે મોટો આંચકો આપ્યો હતો. 'ખોલકી અને નાગરિકા'ની વાર્તાઓ 'ઉન્નયન'માં નવીન સ્વરૂપે રજૂ થઈ. છેલ્લે તેમણે તારિણી નામનો વાર્તાસંગ્રહ આપ્યો.
કાવ્યકૃતિઓ:- તેમની પ્રથમ કાવ્યકૃતિ 'વડલાની ડાળ ઉપરના હીંચકા' આમોદની શાળાના હસ્તલિખિતમાં મૂકેલી. તેમનું કાવ્ય 'એકાંશ દે' એ 'મરીચિ'ના ઉપનામથી 'સાબરમતી' દ્વૈમાસિક માં ઇ.સ.૧૯૨૬ માં પ્રગટ થયેલું. પછી ઇ.સ.૧૯૨૮ માં એ જ પત્રમાં 'બારડોલીને' એ કાવ્ય 'સુન્દરમ્' નામથી પ્રસિધ્ધ થયું. ઇ.સ.૧૯૩૦ માં તેમની કવિપ્રજ્ઞાનું દ્યોતક 'બુધ્ધના ચક્ષુ' રચાયુ અને સુન્દરમ્ કવિ તરીકે પ્રખ્યાત થયા. 'સુન્દરમ્' તખલ્લુસ તેમણે ગાંધીજીની આત્મકથામાં આવેલા 'બાલાસુન્દરમ્' નામના ગિરમીટિયાના નામ પરથી રાખેલુ.

સુન્દરમ્ ની કવિતા:-

(૧). 'મારી બંસીમાં'-
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા.
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા.
સોનેરી સોણલું બતાવી તું જા … મારી બંસીમાં.

સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી,
દિલનો દડુલો રમાડી તું જા.
ભૂખી શબરીના બોર બે એક આરોગી.
જનમ ભૂખીને જમાડી તું જા … મારી બંસીમાં.

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા.
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે,
ફાવે ત્યાં એને હંકારી તું જા … મારી બંસીમાં.
-[ત્રિભુવનદાસ લુહાર (સુન્દરમ્)]
(૨).'એક સવારે આવી'-
એક સવારે આવી, મુજને કોણ ગયું ઝબકાવી ?
વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી, કોણ ગયું ઉર પેસી ?
કિરણ તણી કોમળ અંગુલિએ રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે કોણ રહ્યું ઝબકોળી ?



1 comment:

  1. PLPlea Nexn to સુન્દરમ્ નો જીવન કવન

    ReplyDelete